-->
3 thi 8 nu material

NEW UPDATE

9 પારકી આશ સદા નિરાશ : બાલવાર્તા


એક પંખી દર વર્ષે ખેતરમાં માળો બાંધતું.ખેતરમાં છોડ થોડા ઊગી ગયા હોય ત્‍યારે તેની વચ્‍ચે તે માળો બાંધે. તેમાં ઈડાં મૂકે.સમય જતાં ખેતરમાં પાક લણવાનો સમય થઈ જાય ત્‍યાં સુધીમાં માળામાં બચ્ચાં પણ મોટાં થઈ જાય.દર વર્ષે આવું બને.એક વાર પંખી માળો બાંધવામાં મોડું પડ્યું.એટલે ખેતરમાં જયારે પાક લણવાનો સમય થયો ત્‍યારે બચ્‍ચાં હજી નાનાં હતાં. તેઓ જાતે ઊડી શકે તેમ નહોતાં.પંખીને ચિંતા થઈ. ખેડૂત જો પાક લણવા માંડશે તો માળો પીંખાઈ જશે. થોડોક સમય જો મળી જાય તો બચ્‍ચાં ઊડવાનું શીખી જાય.પછી કોઈ ચિંતા નહીં.પંખીને એક વાતની ધરપત હતી.હજી ખેડૂત આવ્‍યો નહોતો.એ ન આવે ત્‍યાં સુધી ચિંતા નહી.પંખી રોજ સવારે બચ્ચાં માટે ખાવાનું લેવા જતું રહે.
પંખીએ બચ્ચાઓને કહી રાખ્‍યું હતું કે ‘હું ન હોઉં ત્‍યારે ખેડૂત જો આવે તો બીજા લોકો સાથે તે શી વાતો
કરે છે એ તમે બરાબર ધ્‍યાનથી સાંભળજો.પછી મને કહેજો.’ આ રીતે એક દિવસ પંખી માળામાં પાછું આવ્યું ત્‍યારે તેણે જોયું તો બચ્‍ચાં એકદમ ડરી ગયેલાં હતાં.પંખી સમજી ગયું કે નક્કી આજે ખેડૂત આવ્યો હોવો જોઈએ. બચ્ચાં કહે,‘મા, આજે ખેડૂત આવ્યો હતો.સાથે તેના બે દીકરા હતા.દીકરાઓને તે કહેતો હતો કે કાલે ભાઈબંધો ને બોલાવ્‍યા છે.પાક લણી કાઢીશું.પછી એ બધા જતા રહ્યા.’
પંખી કહે,‘તમે જરાય ચિંતા ન કરશો.કશું જ નહિ થાય.’
બીજે દિવસે કોઈ ન આવ્યું.બે દિવસ પછી ફરી ખેડૂત તેના દીકરાઓ સાથે આવ્યો.તે કહે,‘ભાઈબંધો તો ન આવ્યા. હવે આપણે આપણાં સગાંઓને બોલાવી લાવીશું.’
બચ્ચાઓએ પંખીને સાંજે વાત કરી.પંખી કહે,‘ચિંતા ન કરશો.કોઈ નહીં આવે.’
ખરેખર બીજા દિવસે કોઈન આવ્યું.પણ એ પછીના દિવસે ફરી ખેડૂત તેના દીકરાઓ સાથે આવ્યો.તે બોલ્‍યો, ‘હવે આપણે કોઈની વાટ નથી જોવી.આપણી જાતે જ કાલથી કામ શરૂ કરી દઈએ.’બચ્ચાંઓએ સાંજે માને વાત કરી.મા કહે,‘હવે આપણે અહીંથી જવું પડશે. કારણ કે હવે ખેડૂતે જાતે કામ કરવાનું નક્કી કર્યું છે. પહેલાં એણે ભાઈબંધોની આશા રાખી.પછી એણે સગાંઓ ની આશા રાખી.પણ બીજા પર રાખેલી આશા કયારેય ફળતી નથી.પારકી આશા સદા નિરાશા.’
પંખી એ સાંજે જ એક એક કરીને બધાં બચ્ચાંને સલામત જગ્યાએ લઈ ગયું.

Post a Comment

Subscribe Our Newsletter