-->
3 thi 8 nu material

NEW UPDATE

17 બિરબલનું ઇનામ

બિરબલનું ઇનામ


આ એ સમયની વાત છે, જ્યારે બીરબલ હજુ અકબર બાદશાહના દરબારના નવરત્નમાં સામેલ નહોતો થયો. તે હજુ સામાન્ય નાગરિક હતો. પરંતુ બીરબલ પોતાની ચતુરાઈ અને હોંશિયારી જાણતો હતો. તેણે વિચાર્યું કે ‘લાવને હું પણ જઈને અકબર બાદશાહના દરબારમાં મારી ચતુરાઈ દર્શાવું અને નસીબ અજમાવું.‘
આમ વિચારી બીરબલ મહેલના દરવાજે ગયો અને અંદર બાદશાહને મળવાની પરવાનગી માગી. ત્યારે ત્યાંના દરવાને બીરબલને કહ્યું, ‘ભલે, હું તને બાદશાહને મળવા જવા દઈશ, પણ એક શરત તારે માનવી પડશે ! તને જે રકમ ઇનામમાં મળે તેની અડધી રકમ મને આપવી પડશે !‘ બીરબલે તેની શરત મંજૂર રાખી. તે મહેલની અંદર પ્રવેશ્યો. અંદર જઈ તે અકબર બાદશાહના દરબારમાં જતો હતો ત્યાં તેને દરબારના પ્રવેશદ્વારે ઊભેલા ચોકીદારે રોક્યો. અને તેણે પણ પહેલા ચોકીદાર જેવી જ શરત રાખી. બીરબલે દરબારની અંદર પ્રવેશ મેળવવા માટે તેની શરત પણ મંજૂર રાખી. અને મનમાં વિચારયું કે જો હવે મને ઇનામ મળશે તો તે રકમમાંથી મને તો કાંઈ પણ મળશે નહીં. કારણ કે અર્ધું ઇનામ મહેલનાં ચોકીદારને દેવાનું છે અને અર્ધું ઇનામ દરબારના ચોકીદારને દેવાનું છે ! ‘તેમ છતાં બીરબલ દરબારમાં પ્રવેશી બાદશાહની નજર પડે તેમ એક બાજુ ઊભો રહ્યો. બધા મુલાકાતીઓનો વારો આવ્યો. એક પછી એક સૌએ પોતાની રજૂઆત બાદશાહ પાસે કરી. ત્યાર પછી બીરબલનો વારો આવ્યો એટલે બાદશાહે પૂછ્યું, "તું શી આશાએ અહીં આવ્યો છે?"
"હજૂર, લોકો મને બહાર ચતુર અને બુદ્ધિશાળી માને છે, તેથી હું અહીં મારું નસીબ અજમાવવા આવ્યો છું." બીરબલે જવાબ આપ્‍યો. ત્યારે બાદશાહે તેના દીવાનને બીરબલની પરીક્ષા કરવાનું કહ્યું. એટલે દીવાને બીરબલને એક સવાલ કર્યો,‘આકાશમાં તારા કેટલાં છે ?‘
‘એક માણસના શરીર પર જેટલી વાળની સંખ્યા હોય છે તેટલી સંખ્યામાં આકાશમાં તારા હોય છે.‘ બીરબલનો જવાબ સાંભળી બધા દરબારીઓ તથા બાદશાહ ખુશ થઈ ગયા. કારણ કે કોઈ આકાશના તારા પણ ન ગણી શકે તેમ કોઈ શરીર પર રહેલા વાળ પણ ગણી ન શકે. દીવાને બીજો એક સવાલ કર્યો, ‘હવે એ કહે કે આપણા આ નગરમાં કાગડાઓની કેટલી સંખ્યા છે ?‘ આ સવાલ સાંભળી બીરબલે તરત જવાબ આપ્‍યો કે, ‘આપણા નગરમાં એક હજાર એક કાગડાઓ છે !‘ ત્યારે દીવાને તેના જવાબ સામે પ્રશ્ન કર્યો, ‘તું એક હજાર એક કાગડા કહે છે, અને હું જ્યારે કાગડાની સંખ્યા ગણાવીશ અને તેમાં કાગડા ઓછા નીકળ્યા તો તું શું કહીશ ?‘ બીરબલે જવાબ આપ્‍યો, ‘એક હજાર એકમાંથી કાગડા ઓછા હોય તો એમ સમજવાનું કે એટલા કાગડા બીજા નગરમાં ફરવા ગયા છે !‘ બીરબલનો જવાબ સાંભળી બધાં હસી પડ્યા. પરંતુ દીવાન હજુ વાત છોડે તેમ નહતા. તેણે પૂછ્યું, ‘માની લે કે હું કાગડાની સંખ્યા ગણાવું અને કાગડાની સંખ્યા એક હજાર ને એકથી વધુ થાય તો !‘ બીરબલે જવાબ આપ્‍યો, ‘ તો એમ સમજવું કે બીજા નગરના કાગડા આપણાં નગરમાં ફરવા આવ્યા છે. બાકી આપણી દિલ્હીમાં તો કાગડા ફક્ત એક હજાર એક જ છે !‘ બીરબલનો આ જવાબ સાંભળી બાદશાહ ખુશ થઈ ગયા. તેણે દીવાનને કહ્યું, ‘હવે વધુ પરીક્ષા કરવાની જરૂર નથી.‘ એમ કહી અકબર બાદશાહે બીરબલને પૂછ્યું, ‘હું તારી હાજર જવાબી અને ચતુરાઈ ઉપર ખુશ થયો છું. હું તને ઇનામ આપીશ.‘ ઇનામનું નામ સાંભળી તરત જ બીરબલે વચ્ચે કહ્યું, ‘માફ કરજો જહાપનાહ, ઇનામ હું મારી પસંદગીનું લેવા માગું છું, જો આપને મંજૂર હોય તો?‘ આ સાંભળી બાદશાહે કહ્યું, ‘ભલે, તું ઇનામ તારી મરજી પ્રમાણે માગી શકે છે.‘ ત્યારે બીરબલે કહ્યું, ‘જહાપનાહ, મારે ઇનામમાં સો ફટકાનો માર જોઈએ છે !‘ આ વાત સાંભળી આખો દરબાર દંગ રહી ગયો. બાદશાહે પૂછ્યું, ‘તું પાગલ તો નથી થઈ ગયો ને? હું તને સોના મહોર કે જવેરાત ઇનામમાં દેવા માગું છું, જ્યારે તું સો ફટકાનો માર માગે છે !‘
એટલે બીરબલે કહ્યું, ‘જહાંપનાહ, હું સો ફટકાનો માર ઇનામમાં માગું છું, તેનું કારણ છે કે મને તમે જે કાંઈ ઇનામ આપ‍શો તે મારે નથી રાખવાનું. જ્યારે હું આપને મારી ચતુરાઈ દેખાડવા મળવા માગતો હતો ત્યારે મહેલમાં પ્રવેશવા માટે બે ચોકીદારોએ મારી પાસે મારા ઈનામના અર્ધા ભાગ માગેલા. માટે હવે તે બન્‍ને ચોકીદારોને બોલાવો.‘ આ સાંભળી બાદશાહ અકબર ખૂબ જ ખુશ થયા અને તેણે બીરબલને કહ્યું, ‘બીરબલ તેં તારી હાજરજવાબી અને ચતુરાઈથી મને ખુશ તો કર્યો જ છે અને સાથે સાથે મારા મહેલમાં થતા ભ્રષ્‍ટાચારથી પણ મને સજાગ કર્યો છે. તે લોભી ચોકીદારોને તો સજા થશે જ. સાથોસાથ હું તને મારા દરબારમાં નોકરીએ પણ રાખું છું.‘
આ પ્રમાણે ચતુર બીરબલ અકબર બાદશાહના નવરત્નમાં સામેલ થયો.

Post a Comment

Subscribe Our Newsletter